પ્રાચીન ભારત માં આધ્યાત્મ ને કેન્દ્ર માં રાખીને જીવન ઉપયોગી શિક્ષણ આપવામાં આવતું હતું. વ્યક્તિ નું જીવન અને ચારિત્ર્ય ઘડતર તથા વ્યક્તિ માં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો નો વિકાસ એ જ પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા નો ઉદેશ્ય હતો.

પાશ્ચાત્ય વ્યવસ્થાઓ દ્વારા જયારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ધર્મ અને ન્યાય જેવા ક્ષેત્ર માં અર્થ (નાણું) જ કેન્દ્ર માં હોય એવા વિચારો ઘુસાડવામાં આવ્યા ત્યાર થી આપણા દેશ ની ભારતીય શિક્ષણ પ્રણાલી ના પતન ની શરૂઆત થઇ. જેને લીધે વર્તમાન સમય માં આધુનિક શિક્ષણ પ્રણાલી ના સક્ષમ વિકલ્પ તરીકે એક યુગાનુકૂળ ભારતીય શિક્ષણ વ્યવસ્થા ની આવશ્યકતા ઉભી થઇ.

પંચકોશ વિદ્યાવિકાસ કેન્દ્ર એ આધુનિક શિક્ષણ ની નકારાત્મકતા થી બચવા અને યુગાનુકૂળ ભારતીય શિક્ષણ મેળવવા માટે નો ઉત્તમ વિકલ્પ છે. પંચકોશ એ વાલીઓ દ્વારા સંચાલિત અને બાળકો ના શિક્ષણ અને ભવિષ્ય ને કેન્દ્ર માં રાખી ને કાર્ય કરતી સંસ્થા છે. આ પાઠશાળા માં વિદ્યાર્થીઓ ને જ્ઞાન અને સંસ્કાર ની સાથે સાથે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વૈદિક ગણિત, વિજ્ઞાન, પ્રકૃતિ શિક્ષણ, આયુર્વેદ, ન્યાય શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, સંગીત કળા (ગાયન, વાદન અને નૃત્ય-કથ્થક), ચિત્રકળા , યોગાભ્યાસ, ઇતિહાસ, ચરિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, કરાટે, સ્વરક્ષણ વગેરે શીખવવા માં આવે છે.

પંચકોશ વિદ્યાવિકાસ કેન્દ્ર ની વિશેષતાઓ

પંચકોશ નો પરિચય

તૈતરિયા ઉપનિષદ અને યજુર્વેદ માં જણાવ્યા પ્રમાણે માણસ ની પ્રકૃતિ/સ્વભાવ/વ્યક્તિત્વ નું ઘડતર પાંચ કોષ થી થાય છે.

અન્નમય કોષ

-અન્ન શરીર નું ઘડતર ને પોષણ કરે છે.
-વિકાસ માટે શું જરૂરી?: સાત્વિક ભોજન, રમત ગમત અને શારીરિક પરિશ્રમ
-પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્ર માં બાળકો ઘરે થી લાવેલ સાત્વિક નાસ્તો કરે છે. અહીં મેંદો, ચોકલેટ, ચીઝ, મેગી, બિસ્કિટ, પેકેટ વાળી વસ્તુ પ્રતિબંધિત છે. બાળકો એક સાથે આસાન પર બેસી પ્રાર્થના કરી, ગૌ-ભાગ અલગ કાઢી, પછી જ જમવાનું શરુ કરે છે. આ જ ટેવ તેમને સાત્વિક અને નિરોગી બનાવે છે. પંચકોશ માં રમત-ગમત ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. બાળકો ની ઉર્જા ને યોગ્ય દિશા માં વાળવા માટે તેમજ શારીરિક મજબૂતી ઘડવા માટે લગભગ રોજ રમતો કરાવવામાં આવે છે. આગળ વધતા મોટી ઉંમર ના બાળકો ને સ્વ-રક્ષણ પણ શીખવવા માં આવે છે.

પ્રાણમય કોષ

– પ્રાણ શરીર ને ઉર્જા અને ઉત્સાહ આપે છે
-વિકાસ માટે શું જરૂરી?: યોગ અને પ્રાણાયામ
-પંચકોશ માં નાની ઉંમર થી જ સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને ઓમકાર કરવામાં આવે છે. યોગ અને પ્રાણાયમ માનસિક તથા આધ્યાત્મિક વિકાસ નું પગથિયું છે.

મનોમય કોષ

– જે જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને સમજણ આપે છે
-વિકાસ માટે શું જરૂરી? : વાંચન, લેખન, કલ્પના અને ધ્યાન
-બાળકો નું જ્ઞાન અને કલ્પના શક્તિ વધે તે માટે ટીવી ની બદલે વાર્તા તથા પુસ્તકો ઉપર વધુ ભાર આપવા માં આવે છે. પંચકોશ નું બાળક દર વર્ષે સરેરાશ 50 નવી વાર્તા શીખે છે. પંચકોશ નો અભ્યાસક્રમ બાળકો ના માનસિક વિકાસ માટે, જે ઉંમરે જે જરૂરી હોય તે મળે, તેવી રીતે બનાવામાં આવેલ છે.

વિજ્ઞાનમય કોષ

– જે જિજ્ઞાસા, ઉત્પાદકતા આપે છે
-વિકાસ માટે શું જરૂરી? પ્રયોગ, ગણતરી, અનુભવ અને માર્ગદર્શન
-પંચકોશ માં ગણિત તથા વિજ્ઞાન ગોખવા ની બદલે પ્રયોગ અને પ્રેક્ટિકલ પદ્ધતિ થી શીખવાડવા માં આવે છે. આ માટે વિવિધ સ્થળો ની તથા વ્યક્તિ ની રૂબરૂ મુલાકાત ગોઠવામાં આવે છે.

આનંદમય કોષ

– જે ખુશી અને તૃપ્તિ આપે છે
-વિકાસ માટે શું જરૂરી? બધા જ કોષો નો યોગ્ય વિકાસ
-પંચકોશ માં નવા નવા બાળ ગીતો, નૃત્ય, રમતો, ઉત્સવનું આયોજન કરી ને બાળકોને આનંદમય વાતાવરણ આપવામાં આવે છે. પંચકોશ નું કોઈ પણ બાળક શાળા એ આવવા માટે હંમેશા ઉત્સાહી હોય છે.

પંચકોશ નો અભ્યાસક્રમ વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થા છે. તેમાં મુખ્ય મહત્વ સંસ્કૃત ભાષા ને આપવા માં આવે છે. સંસ્કૃત થી બાળકો ના મગજ નો યોગ્ય વિકાસ થાય છે તે આધુનિક વિજ્ઞાન પણ સાબિત કરી ચૂકેલ છે. આજે ભારત કરતા જર્મની જેવા દેશો સંસ્કૃત નું મહત્વ વધુ સમજે છે.

ઉપરાંત રોજીંદા જીવન માં ઉપયોગી ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ, અંગ્રેજી તથા કોમ્પ્યુટર નું પણ શિક્ષણ આવરી લીધેલ છે. આ સિવાય સંસ્થા માં ચેસ, કથ્થક, સંગીત, ઉદ્યોગ અને બીજા ઘણા જીવન ઘડતર ના વિષયો બાળકો ને આપવા માં આવે છે.

આ ઉપરાંત નિર્ભયતા, એકતા, સાહસ, દયા, ક્ષમા, વીરતા, ધૈર્યતા, એકાગ્રતા, નિર્માનતા વગેરે જેવા ગુણો વિકસાવવા માટે દરેક મહિને કોઈ એક ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જે તે ગુણ માટે ની વાર્તા, રમતો, નાટકો, પુસ્તકો, સ્થળ તથા વ્યક્તિઓ ની મુલાકાતો નું આયોજન કરી બાળકો ને તે ગુણ થી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિ ની માહિતી જેવી કે વેદો, ઉપનિષદો, પુરાણો, આયુર્વેદ, યોગ, ઋષિમુનિયો, શાસ્ત્રો, મંદિરો, દેવો, ઈતિહાસ, સંતો, ભક્તો, રાજાઓ, સ્થાપત્યો, ગ્રંથો વગેરે ની રસપ્રદ માહિતી બાળકો ને આપવામાં આવે છે. ભારતીય સુવર્ણ ઈતિહાસ ના સકારાત્મક પાસા નો અભ્યાસ કરાવા માં આવે છે.

સતત નવી માહિતી અને પરિવર્તનશીલતા ને અપનાવી શિબિરો, નવા વિષયો, મુલાકાતો, અને નિષ્ણાંતો ના માર્ગદર્શન મુજબ ના ફેરફારો તથા અન્ય આયોજન કરવામાં આવે છે. સંસ્થા સાથે જોડાયેલ કોઈ પણ વાલી નવું સૂચન કે પોતાનું સમયદાન આપી શકે છે.